પ્રકૃતિ અને આપણે..
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે,પંખી છે,સાથે ફૂલોની છે વનસ્પતિ.. શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આપણને થોડામાં ઘણું કહી જાય છે.અને એટલે જ પ્રકૃતિ વિશે આજે લખતા મનમાં સૌથી પહેલા આ પંક્તિ જ આવી એટલે કીધું એનાથી જ શરૂઆત કરું.આ પંક્તિમાં કવી આપણને કટાક્ષ કરીને મીઠાં શબ્દોમાં કહી દે છે કે આ દુનિયામાં રહેવાનો હક એકલો માનવી નો જ નથી, કે એકલો માણસ જ અહી રહેતો નથી પણ બીજા ઘણાં જીવો પણ અહી વસવાટ કરે છે.માનવીની સાથે અહી પ્રાણીઓ છે,જાત જાતના પક્ષીઓ છે તેમજ સુંદર ફૂલો સાથેની અપાર વનસ્પતિઓ પણ છે. પ્રકૃતિના જ પંચ મહાભૂતો માંથી બનેલ માનવીને પ્રકૃતિ આકર્ષે જ.એમાં નવાઈ નથી.વર્ષા ઋતુમાં મોરને કળા કરતો જોઈ આપણે રાજી થઈએ જ.મોટા શહેરનો નાનકડો બગીચો આપણ ને હજી એટલો જ વ્હાલો લાગે છે.આથમતા સુરજ ને જોવા હજી પણ સનસેટ પોઇન્ટ ભરચક થઈ જાય છે.ક્યારેક જો ક્યાંક તારા મઢેલું આકાશ જોવા મળી જાય તો "ઓહ" શબ્દ મોં માંથી નીકળ્યા વગર રહેતો નથી.આ...